दीક્ષારંભ-2026નું સફળ સમાપન, વિદ્યાર્થીઓને મળ્યું નિષ્ણાતોનું માર્ગદર્શન
- અમદાવાદથી લય દ્વિવેદી
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર સાથે સંલગ્ન નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી–ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી (NSIT-IFSCS), જેટલપુર, અમદાવાદ ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે આયોજિત ત્રણ દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ ‘દીક્ષારંભ-2026’નું સફળતાપૂર્વક સમાપન થયું. “જ્ઞાનની પ્રથમ કિરણથી એક નવા ભવિષ્યની શરૂઆત થાય છે” થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન, વ્યાવસાયિક અનુભવ, ટેકનિકલ માહિતી તથા નિષ્ણાતો સાથે સંવાદની તકો પૂરી પાડવામાં આવી.
દીક્ષારંભ-2026નું ઉદ્ઘાટન સંસ્થાના મુખ્ય સંરક્ષક શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશ દાસજીના સાનિધ્ય તેમજ શ્રીજનમંગલ સ્વામી અને સંસ્થાના ઉપાધ્યક્ષ ધર્મેશ વંડ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયું. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને સંસ્થાની શૈક્ષણિક વ્યવસ્થા, મૂલ્યો, અભ્યાસની તકો તથા ફોરેન્સિક સાયન્સ, સાયબર સિક્યોરિટી અને ટેક્નોલોજીના ઊભરતા ક્ષેત્રોથી પરિચિત કરાવવાનો રહ્યો.
સંસ્થાના પ્રાચાર્ય પ્રોફેસર ડૉ. સૈલેશ અય્યરે જણાવ્યું કે ત્રણેય દિવસ દરમિયાન વિવિધ શૈક્ષણિક તથા વ્યાવસાયિક ક્ષેત્રોના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો શેર કર્યા અને તેમને ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો.
પ્રથમ દિવસે સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર લેબનું ઉદ્ઘાટન
કાર્યક્રમના પ્રથમ દિવસે સ્વામીજી તથા મહેમાનો દ્વારા સંસ્થામાં સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર (SOC) લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાયબર સિક્યોરિટીના ક્ષેત્રમાં વ્યવહારુ શિક્ષણ, તાલીમ અને સંશોધનને મજબૂત બનાવવાની દિશામાં આ લેબ એક મહત્વપૂર્ણ પગલું છે.
SOC લેબમાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને રિયલ-ટાઇમ સાયબર થ્રેટ મોનિટરિંગ, સિક્યોરિટી ઇન્ફોર્મેશન એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ, સાયબર ઘટનાઓની ઓળખ અને પ્રતિસાદ, નેટવર્ક સિક્યોરિટી મોનિટરિંગ, ડિજિટલ ફોરેન્સિક્સ તથા વલ્નરેબિલિટી એસેસમેન્ટ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યવહારુ અનુભવ પ્રાપ્ત થશે. લેબનો ઉપયોગ સાયબર સિક્યોરિટી તાલીમ, શૈક્ષણિક પ્રોજેક્ટ્સ, સંશોધન, વર્કશોપ, સાયબર ડ્રિલ્સ તથા કેપ્ચર-ધ-ફ્લેગ અભ્યાસ માટે પણ કરવામાં આવશે.
પ્રથમ દિવસે ધ્રુવ પંડિત, પ્રો. (ડૉ.) રોબર્ટ ગ્રીન, ડૉ. મધુસૂદન આર.એન. તથા વિજય માંડોરા સહિત વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક શ્રેષ્ઠતા, વ્યાવસાયિક વિકાસ અને ટેકનિકલ ક્ષેત્રમાં ઊભરતી તકો અંગે માહિતી આપી. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થાના વિઝન સાથે જોડાવા તથા જ્ઞાન, નવીનતા અને વ્યાવસાયિક વિકાસના મહત્વને સમજવાની તક મળી.
બીજા દિવસે નિષ્ણાતોએ આપ્યું કારકિર્દી માર્ગદર્શન
દીક્ષારંભ-2026ના બીજા દિવસે નિષ્ણાત વ્યાખ્યાનો, વિભાગીય ઇન્ડક્શન, કેમ્પસ ઓવરવ્યૂ તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ. GUJCOSTના પૂર્વ સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂ, અમદાવાદ આવકવેરા વિભાગ (Exemptions)ના કમિશનર વી. નંદકુમાર તથા KPMGના પાર્ટનર ચિંતન મહેતાએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા.
નિષ્ણાતોએ વિજ્ઞાન પ્રશાસન, જાહેર સેવા, સુશાસન, ટેક્નોલોજી અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા પોતાના અનુભવો શેર કરી વિદ્યાર્થીઓને વિવિધ વ્યાવસાયિક તકો અને ભવિષ્યની કારકિર્દીના વિકલ્પોની માહિતી આપી. વિભાગાધ્યક્ષોએ વિદ્યાર્થીઓને તેમના સંબંધિત વિભાગો, શૈક્ષણિક સફર, ઉપલબ્ધ તકો અને સંસ્થાના અભ્યાસના વાતાવરણથી પરિચિત કરાવ્યા.
બપોરે ઇન્ટરેક્ટિવ અને આઇસ-બ્રેકિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવા વિદ્યાર્થીઓએ વરિષ્ઠ વિદ્યાર્થીઓ તથા પોતાના બેચમેટ્સ સાથે સંવાદ કર્યો અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેના દ્વારા વિદ્યાર્થીઓમાં પરસ્પર સહકાર, સંવાદ અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો.
ત્રીજા દિવસે અવકાશ વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે સંવાદ
કાર્યક્રમના ત્રીજા અને અંતિમ દિવસે વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. સપન ઓઝા તથા ડૉ. નિલેશ એમ. દેસાઈએ વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો અને વિચારો શેર કર્યા. ડૉ. નિલેશ એમ. દેસાઈ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક તથા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), અમદાવાદના પૂર્વ નિયામક રહી ચૂક્યા છે. તેમણે RISAT, Oceansat, NISAR તથા ચંદ્રયાન જેવા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મિશનોમાં નેતૃત્વ અને ટેકનિકલ દિશા પ્રદાન કરી છે.
નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને શિસ્ત, સતત શીખવાની ભાવના, વ્યાવસાયિક નૈતિકતા, ટેકનિકલ જાગૃતિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવા માટે પ્રેરિત કર્યા. સંવાદ સત્રોમાં નેતૃત્વ ક્ષમતા, નવીનતા, વ્યાવસાયિક વિકાસ તથા ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં કાર્ય કરવાની જવાબદારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
જ્ઞાન, નવીનતા અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા તરફ પગલું
કેમ્પસ ડિરેક્ટર સંજય શર્માએ જણાવ્યું કે ત્રણ દિવસીય ‘દીક્ષારંભ-2026’એ નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક જીવનની શરૂઆતથી જ નિષ્ણાતો અને વ્યાવસાયિક જગત સાથે જોડાવા માટે અસરકારક મંચ પ્રદાન કર્યો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાનની સાથે શિસ્ત, નૈતિકતા, નેતૃત્વ, નવીનતા અને સામાજિક જવાબદારીના મહત્વથી પણ પરિચિત કરાવવામાં આવ્યા.

કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ટેકનિકલ સુવિધાઓ, ઉદ્યોગની જરૂરિયાતો અને ભવિષ્યની કારકિર્દીની તકો અંગે માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે NSIT-IFSCSનો હેતુ એવા ટેકનિકલી સક્ષમ, નૈતિક મૂલ્યો સાથે જોડાયેલા અને સામાજિક રીતે જવાબદાર વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે, જે ભારતના ઝડપથી વિકસતા ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટી ઇકોસિસ્ટમમાં અસરકારક યોગદાન આપી શકે.
કાર્યક્રમના સફળ સમાપન પ્રસંગે સંસ્થાએ તમામ નિષ્ણાતો, મહેમાનો, શિક્ષકો, સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. ‘દીક્ષારંભ-2026’ દ્વારા NSIT-IFSCSએ નવા વિદ્યાર્થીઓની શૈક્ષણિક તથા વ્યાવસાયિક સફરની શરૂઆત જ્ઞાન, નવીનતા, શિસ્ત અને શ્રેષ્ઠતાની દિશામાં એક સાર્થક શરૂઆત તરીકે કરી.
આ માહિતી સંસ્થાના પ્રાધ્યાપક ડૉ. વિશાલી શર્માએ આપી.



